Blog Post

પારુલ યુનિવર્સિટીના લૉ ફેસ્ટ સંવિધાન પે ચર્ચા 4.0માં પ્રસિદ્ધ જજો અને કાયદાકીય નિષ્ણાતોએ બંધારણ પર ચર્ચાનું નેતૃત્વ કર્યું

પારુલ યુનિવર્સટીએ એની ફ્લેગશિપ લીગલ કોન્ક્લેવ સંવિધાન પે ચર્ચા 4.0ની ચોથી એડિશનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ન્યાયપાલિકાના પ્રસિદ્ધ સભ્યો, વરિષ્ઠ વકીલો, કાયદાકીય વ્યાવસાયિકો અને લૉના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. તેમાં બંધારણીય મૂલ્યો, વર્તમાન કાયદાકીય સવાલો અને કાયદાના બદલાતા સ્વરૂપ પર ચર્ચાવિચારણા થઈ હતી. કાર્યક્રમમાં નિષ્ણાતોના ભાષણો, સંવાદસત્રો, PU ટૉક, વર્કશોપ અને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ સામેલ હતા, જેથી વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર કાયદાકીય જગતના લોકો સાથે વાત કરવાની તક મળી હતી.

આ કાર્યક્રમમાં ભારતીય સુપ્રીમ કોર્ટના જજ માનનીય જસ્ટિસ શ્રી વિપુલ એમ. પંચોલી, ગુજરાત હાઈ કોર્ટના જજ માનનીય જસ્ટિસ શ્રી ડી. એન. રે, ગુજરાત હાઈ કોર્ટના જજ માનનીય જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા, ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગૌરવ ભાટિયા, ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ સુશ્રી મહાલક્ષ્મી પાવની અને ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ સુશ્રી અનિતા શેનોય સાથે કાયદાકીય ક્ષેત્રના અન્ય પ્રતિષ્ઠિત સભ્યો સામેલ હતા. તેમની હાજરીએ વકીલાત કરવા ઇચ્છુક લોકોને ન્યાયતંત્રના વિચારો સીધા સાંભળવાની અને કાયદાકીય શિક્ષણ અને વકીલાતના વ્યવહારિક પાસાં વિશે જાણવાની તક આપી હતી.

કાયદાકીય વ્યવસાયમાં બંધારણીય સિદ્ધાંતોના મહત્વ પર વાત કરીને અને ભવિષ્યના વકીલો પર ધ્યાન કેન્દ્રિત કરીને માનનીય જસ્ટિસ શ્રી વિપુલ મનુભાઈ પંચોલીએ કહ્યું હતું, “લૉ સ્કૂલની જવાબદારી ફક્ત કાયદાકીય શિક્ષણ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વ્યાવસાયિક નૈતિકતા, બંધારણીય મૂલ્યો અને સામાજિક જવાબદારીઓને વધારવાની પણ છે. એટલે ભવિષ્યના વકીલો પાસે કાયદાકીય જાણકારીની સાથે સમાજ અને ટેકનિકલ સમજણ પણ હોવી જોઈએ, જેમાં કાયદો કામ કરે છે ભવિષ્યના વકીલ તરીકે યાદ રાખો કે, વકીલાતનો અર્થ ફક્ત કેસ જીતવાનો નથી, પરંતુ કોર્ટને સાચા અને કાયદાકીય રીતે ઉચિત પરિણામ સુધી પહોંચાડવામાં મદદ કરવાનો છે.”

આ પ્રસંગે ઉપસ્થિત દર્શકોને સંબોધન કરીને માનનીય જસ્ટિસ શ્રી ડી. એન. રેએ બંધારણીય અને કાયદાકીય મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો તથા હાલની ઝડપથી બદલાતી દુનિયા સાથે વર્તમાન યુવા પેઢી કેવી રીતે પડકારોનો સામનો કરે છે એ વિશે વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું, “તાત્કાલિક પ્રશંસા કે સંતોષ અને સફળતા મેળવવાની આ દોટમાં કૃપા કરીને નિષ્ફળતા મેળવવા પણ તૈયાર રહો. આ જરૂરી બોધપાઠ છે, જે તમને કોઈ નહીં જણાવે. નિષ્ફળતા મળે એમાં કશું ખોટું નથી. તેમાં કોઈ સમસ્યા પણ નથી એટલે સૌથી જરૂરી વાત એ છે કે, નિષ્ફળ થવું અને તેમાંથી પ્રાપ્ત અનુભવો સાથે આગેકૂચ કરવી તથા એ સમજવું કે હકીકતમાં તમારી સ્પર્ધા અન્ય કોઈ સામે નથી તમારા એકમાત્ર હરીફ તમે પોતે છે.”

આ કાર્યક્રમમાં સંવાદનું એક સત્ર પણ સામેલ હતું, જે પછી ભારતીય સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગૌરવ ભાટિયાએ “ધ લિવિંગ કોન્સ્ટિટ્યૂશન : ડેમોક્રેસી, રુલ ઓફ લૉ એન્ડ ચેલેન્જિંગ લેન્ડસ્કેપ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ (જીવંત બંધારણ : લોકશાહી, કાયદાનું શાસન અને મૂળભૂત અધિકારોની પડકારજનક પૃષ્ઠભૂમિ)” વિષય પર PU ટૉક કરી હતી. આ સત્રમાં વર્તમાન ભારતના બંધારણીય સિદ્ધાંતોનું મહત્વ અને મૌલિક અધિકારો વિશે બદલાતી સમજણ પર ચર્ચા થઈ હતી. સંવાદને વર્તમાન બંધારણીય સ્થિતિ સાથે જોડીને અને બદલાતા સામાજિક વાતાવરણમાં બંધારણીય સિદ્ધાંતોને સમજવાની જરૂરિયાત પર ભાર દઈને તેમણે કહ્યું હતું, “બંધારણ એક એવો દસ્તાવેજ છે, જે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વાત કરે છે જો તમારી સાથે સન્માન સાથે વ્યવહાર ન થાય, તો જીવનનો અર્થ શું છે? એ જીવનથી પણ વધારે મહત્વપૂર્ણ છે. જીવનનો અર્થ ફ્કત શ્વાસ લેવાનો નથી. જીવનનો અર્થ છે – પોતાની જીવનમાં આત્મા ઉમેરવો અને સન્માન જ એ હાર્દ છે.”

ભારતીય બંધારણ : ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરીને ગુજરાત હાઈ કોર્ટના આદરણીય જસ્ટિસ શ્રી એન. એસ. સંજય ગૌડાએ કહ્યું હતું, “બંધારણ એક એવો દસ્તાવેજ છે, જે હકીકતમાં આપણને ઓળખ આપે છે. બંધારણની મુખ્ય જરૂર આપણે શું કરી શકીએ એ જણાવવાની નથી,પરંતુ આપણે શું કરી શકતા નથી અને આપણે શું કરવું જોઈએ એ જણાવવાની છે.”

આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. દેવાંશુ પટેલે કહ્યું હતું, “સંવિધાન પે ચર્ચાનો ઉદ્દેશ કાયદાકીય વ્યાવસાયિકોની આગામી પેઢી સાથે બંધારણીય વિચારો પર અર્થસભર સંવાદ કરવાનો છે. પ્રસિદ્ધ જજ, વકીલો અને નિષ્ણાતોને મળીને વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટિકોણ જાણવા મળે છે, જે તેમના શૈક્ષણિક જીવનમાં પૂરક બને છે તેમજ તેમને કાયદાકીય વ્યવસાયના સિદ્ધાંતો, જવાબદારીઓ અને વાસ્તવિકતામાં વધારે રસ લેવા માટે પ્રેરણા મળે છે.”

આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના લૉ વિદ્યાર્થીઓની અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર પર્ફોર્મન્સની પણ પ્રશંસા કરવામાં આવી હતી. તેમાં હૈદરાબાદની ICFAI લૉ સ્કૂલ દ્વારા આયોજિત 11મી શ્રી એન. જે. યશસ્વી મેમોરિયલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026ના વિજેતાઓ સચિદાનંદ પાટિલ, જય ગવલાની અને ઇશાંત સુથારને અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે સાથે, નવી દિલ્હીની ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લૉ દ્વારા આયોજિત નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026માં બેસ્ટ સ્પીકર પ્રિયોદર્શિની રૉયને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા. કુંજ પ્રજાપતિને જે જી યુનિવર્સિટી, ગુજરાતની સૌથી મોટી ડિબેટ કોન્ફરન્સમાં સ્પેશ્યલ મેન્શન (વિશેષ ઉલ્લેખ) મળ્યું હતું અને AIPPMમાં સ્વયંમ શુક્લાએ બ્રોન્ઝ વર્બલ મેન્શન જીત્યો હતો.

મૂટ કોર્ટ કોમ્પિટિશન સંવિધાન પે ચર્ચા 4.0ની સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનો એક ભાગ હતો, જેમાં ક્વાર્ટર-ફાઇનલ અને સેમિ-ફાઇનલ રાઉન્ડ અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં આયોજન થયું હતું, જેથી વિદ્યાર્થીઓને અનુભવી કાયદાકીય વ્યાવસાયિકો સામે પોતાના કાયદાકીય સંશોધન, ચર્ચા અને વકીલાતની કુશળતા અજમાવવા વ્યવહારિક મંચ મળ્યો હતો.

આ અકાદમિક પ્રોગ્રામમાં શ્રી નિહિત નાગપાલે “ઇનોવેશન Vs. રેગ્યુલેશન : ફાઇન્ડિંગ ધ કોન્સ્ટિટ્યૂશનલ બેલેન્સ ઇન ધ ડિજિટલ ઇકોનોમી (ઇનોવેશન વર્સિસ નિયમન : ડિજિટલ અર્થતંત્રમાં બંધારણ સંતુલન મેળવવું” પર અને શ્રી ઝફર ખુર્શિદે “સંવિધાન અથવા અધિકાર : સમકાલીન ભારતમાં સમાનતા, સ્વતંત્રતા અને ગરિમા” પર વર્કશોપનું આયોજન પણ કર્યું હતું. અંગ્રેજી અને ગુજરાતીમાં યોજાયેલી સ્પર્ધાઓએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાની કાયદાકીય તર્કશક્તિ અને વકીલાતની કુશળતાની કસોટી કરવાની તક આપી હતી.

આ ત્રણ દિવસની કોન્ક્લેવનું સમાપન ન્યાયપાલિકાના વરિષ્ઠ સભ્યોના ભાષણો, વિદ્યાર્થીઓને સવાલ-જવાબના સંવાદસત્ર અને સહભાગીઓના સન્માન અને પુરસ્કાર વિતરણ સાથે થયું હતું. પટણા હાઈ કોર્ટના જજ માનનીય જસ્ટિસ શ્રી સુરેન્દ્ર પાંડેયે બંધારણીય મૂલ્યો, માનવીય ગરિમા અને ન્યાયતંત્રની જવાબદારી પર વાત કરી હતી તથા વિદ્યાર્થીઓને કેસ વિશે વિચારવા અને ન્યાય અપાવવાની વ્યવસ્થામાં પ્રદાન કરવા કહ્યું હતું. તેમણે તેમને એક વાત યાદ કરીને ઉમેર્યું હતું, “અન્ય વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ હોવાથી એ તમારી દુશ્મન બની જતી નથી. બંધારણ પર જજોનો માલિકી નથી. તેમને તો તેની પરિભાષા કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ જવાબદારી આપણા સહુની છે.”

કેરળ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ, જસ્ટિસ શ્રી સોમન સેને મૂળભૂત અધિકારો, કલમ 21, બંધારણીય નૈતિકતા, કટોકટી, મૂળભૂત માળખું અને નવી ટેકનોલોજીઓના પડકારો પર વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું, “આપણે આજે આ ઓડિટોરિયમ છોડીને જઈ શકીએ, પરંતુ બંધારણ એની અંદર જ ન રહી શકે.” તેમણે કાયદાકીય વકીલાતમાં વિચાર અને તર્કના મહત્વ પર ભાર મૂકીને કહ્યું હતું : “કોઈ તર્ક કે દલીલને જોરથી રજૂ કરવાથી તેને તાકાત મળતી નથી, પરંતુ એની પાછળના વિચારની ગુણવત્તામાંથી મળે છે.”

યુવાન વકીલોની કારકિર્દીના માર્ગો વિશે વાત કરીને ભારતીય સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ શ્રી એન. કોટેશ્વર સિંહે વિદ્યાર્થીઓને AI, સાયબર અપરાધ, ફોરેન્સિક સાયન્સ અને પેટન્ટ જેવા વિકસતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. સાથે સાથે, તેમણે રૂપિયાને પ્રાથમિકતા ન બનાવવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, “જ્યારે તમે શરૂઆત કરો, ત્યારે રૂપિયાનો વિચાર ન કરતા. સૌથી વધુ મહત્વપૂર્ણ વાત છે – વ્યક્તિની ગરિમા. એ જ હાર્દ છે.” તેમણે વિદ્યાર્થીઓને એક સરળ અને સાદી સલાહ આપી હતી : “સ્માર્ટ વકીલ બનો.”

અંતિમ સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ ન્યાયતંત્રમાં પ્રાદેશિક વિવિધતા, સોશિયલ મીડિયા અલ્ગોરિધમ, ગુનાહિત કેસોમાં વિલંબ, ધાર્મિક અને નાગરિક વિવાદો, લાંબા સમયસુધી જેલમાં રહેવું, NDPS કેસો અને ત્વરિત સુનાવણીના અધિકાર જેવા વિષયો પર સવાલો પૂછ્યા હતા. આ કાર્યક્રમનું સમાપન ત્રીજી સ્ટેટ મૂટ કોર્ટ કોમ્પિટિશન (ગુજરાતી) અને 4થી ઇન્ટર-યુનિવર્સિટી મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026ના પુરસ્કાર વિતરણ સાથે થયું હતું. પ્રથમ સ્પર્ધામાં રૂ. 15,000થી રૂ 60,000 અને બીજી સ્પર્ધામાં રૂ. 40,000થી રૂ. 1.75 લાખ સુધીની પુરસ્કાર રકમ આપવામાં આવી હતી.

સંવિધાન પે ચર્ચા 4.0માં કાયદાકીય સમજણ, વ્યાવસાયિક દ્રષ્ટિકોણો અને વિદ્યાર્થીઓની વકીલાતની ક્ષમતા એકમંચ પર આવી હતી. આ કાર્યક્રમો લૉના વિદ્યાર્થીઓ સાથે સંવાદ, સ્પર્ધા અને પ્રસિદ્ધ કાયદાકીય નિષ્ણાતો સાથે સીધા સંવાદ મારફતે બંધારણ, વર્તમાન કાયદાકીય મુદ્દા અને ન્યાયતંત્રની વાસ્તવિકતાઓને સમજવા એક મંચ પ્રદાન કર્યો હતો.