Blog Post

સીબીએસઈ વોલીબોલ નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતની હિલ્સ હાઇસ્કૂલની ગર્લ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

સુરત. સીબીએસઈ વોલીબોલ નેશનલ ચેમ્પિયનશિપ 2026-27માં સુરતની હિલ્સ હાઇસ્કૂલની ગર્લ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. લુધિયાણા, પંજાબ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં 23 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.

હિલ્સ હાઇસ્કૂલે પોતાના પૂલની પાંચેય મેચમાં જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટીમે પ્રથમ મેચમાં પંજાબની નિશાન એકેડેમી, બીજી મેચમાં આસામના ગુવાહાટીની એસબીઓએ સ્કૂલ, ત્રીજી મેચમાં મધ્યપ્રદેશની સાંદીપની એકેડેમી, ચોથી મેચમાં અબુધાબીની ઇન્ડિયન સ્કૂલ અને પાંચમી મેચમાં નવી દિલ્હીની ડીએવી પબ્લિક સ્કૂલ, વસંત કુંજને પરાજય આપ્યો હતો.


ક્વાર્ટર ફાઇનલમાં હિલ્સ હાઇસ્કૂલનો મુકાબલો તેલંગાણાની હૈદરાબાદ સ્થિત સંઘમિત્રા સ્કૂલ સામે થયો હતો. આ મેચમાં પણ હિલ્સ હાઈસ્કૂલની ટીમે જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં જયપુરની ટીમ સામે પરાજય થતાં હિલ્સ હાઇસ્કૂલની સફર અટકી હતી. જોકે, સમગ્ર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શનના પરિણામે ટીમે ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ટીમના કોચ હેમાંશુ મુકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રમાયેલી આ ટીમમાં કેપ્ટન અનન્યા રાય ઉપરાંત સનાયા મોરેના, સિયા વેકરિયા, હસ્તી દિહોર, તનિષ્કા ઠાકોર, ઝીલ જૈન, નવ્યા પટેલ, ઝીલ પટેલ અને શિપ્રા શાહનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુરતની ગર્લ્સ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.