Blog Post

સાર્વજનિક યુનિવર્સિટીએ બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની શરૂઆત કરી

સુરત, 10 ઑગસ્ટ: સાર્વજનિક યુનિવર્સિટીએ લિબરલ આર્ટ્સ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ (SCLA)ની સ્થાપના કરી છે. સાર્વજનિક યુનિવર્સિટીના આ નવા કોલેજમાં મનોવિજ્ઞાન (Psychology) અને અર્થશાસ્ત્ર (Economics)માં ઑનર્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોલેજનો હેતુ એવું શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો છે, જે તાર્કિક વિચારશક્તિ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ અને સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપે.

કોલેજની સ્થાપનાના અવસર પર સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા 6 અને 7 ઑગસ્ટે બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી. વી. કેમ્પસ ખાતે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સના કેમ્પસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધક ડૉ. સ્મૃતિ બલસારી દ્વારા “બિહેવિયરલ ઇકોનોમિક્સ: એપ્લિકેશન્સ ઇન હેલ્થકેર” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશિષ વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન-1 શ્રી કિશોર દેસાઈ, વાઇસ ચેરમેન-2 શ્રી અજીત શાહ, SCLAની વર્કિંગ કમિટીના ચેરમેન શ્રી નિક્કી ક્રિસ્ટી, SCLAના ઇન-ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જયેશ દેસાઈ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો, વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષણવિદો, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ તથા અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવું કેમ્પસ અભ્યાસ, સંવાદ અને બૌદ્ધિક વિકાસ માટેનું સશક્ત કેન્દ્ર બનશે. શ્રી નિક્કી ક્રિસ્ટીએ લિબરલ આર્ટ્સ શિક્ષણ દ્વારા રચનાત્મકતા, નવતર પ્રયોગો, અને જવાબદાર નેતૃત્વના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનમાં ડૉ. કિરણ પંડ્યાએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત શિક્ષણ અને વૈશ્વિક સ્તરની શિક્ષણ વ્યવસ્થાના આધારે સંસ્થાઓના નિર્માણ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી હતી. અધ્યક્ષીય સંબોધનમાં શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે સાર્વજનિક યુનિવર્સિટીનુ ‌હેતુ કે જે બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ, સામાજિક રીતે જવાબદાર અને શોધ આધારિત તેમજ સમગ્ર શિક્ષણ દ્વારા આજના સમયના પડકારોનો સામનો કરવા સક્ષમ વિદ્યાર્થીઓની નવી પેઢી તૈયાર કરવાનો છે એને પૂર્ણ કરવામાં સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ યોગદાન આપશે.

બીજા દિવસે યોજાયેલ ડૉ. સ્મૃતિ બલસારીનું વિશેષ વ્યાખ્યાન SCLA ની શૈક્ષણિક વિચારધારાના વિવિધ વિષયોના સમન્વયવાળા અભિગમને દર્શાવતો હતો. ડૉ. બલસારીએ પોતાનું શાળા અને કોલેજનું શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ તથા ઑક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કાર્ય કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે સમર્પણ, યોગ્ય કારકિર્દી આયોજન અને સતત શીખવાની ટેવ દ્વારા વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય છે.

પોતાના વ્યાખ્યાન દરમિયાન ડૉ. બલસારીએ બિહેવિયરલ ઇકોનોમિક્સના માધ્યમથી મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર વચ્ચેના આપસી સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે બંને વિષયો વ્યક્તિગત નિર્ણયો, જાહેર નીતિઓ અને આર્થિક નિર્ણય પ્રક્રિયાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બિહેવિયરલ ઇકોનોમિક્સ વ્યક્તિને સંપૂર્ણપણે તર્કસંગત નિર્ણય લેનાર માનતી પરંપરાગત આર્થિક ધારણાને પડકારે છે અને દર્શાવે છે કે માનસિક પ્રક્રિયાઓ, લાગણીઓ, વિચાર સાથે જોડાયેલા પૂર્વગ્રહો અને સામાજિક પ્રભાવો માનવ વર્તનને કેવી રીતે આકાર આપે છે.

તેમણે ડ્યુઅલ પ્રોસેસ થિયરી, પ્રોસ્પેક્ટ થિયરી, પ્રેઝન્ટ બાયસ, હ્યુરિસ્ટિક્સ, ચોઇસ આર્કિટેક્ચર, સોશિયલ નોર્મ્સ અને લિબર્ટેરિયન પેટરનલિઝમ જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આરોગ્ય ક્ષેત્રના સંદર્ભમાં તેમણે સમજાવ્યું કે બિહેવિયરલ ઇકોનોમિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ બિન-ચેપી રોગોની રોકથામ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અસરકારક રીતે થઈ શકે છે. ડિમેન્શિયાને એક ઉદાહરણ તરીકે રજૂ કરતાં તેમણે સમજાવ્યું કે પુરાવા આધારિત અસરકારક પગલાં દ્વારા લોકોને વધુ સારા આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવા માટે પ્રેરિત કરી શકાય છે, સાથે જ જાહેર નીતિમાં નૈતિક મુદ્દાઓનું સંતુલન જાળવવું પણ જરૂરી છે.

આ વ્યાખ્યાનમાં નાગરિક સમાજના પસંદગીના પ્રતિનિધિઓ, અધ્યાપકગણ તથા સાર્વજનિક યુનિવર્સિટીના વિવિધ કોલેજોના 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને આરોગ્ય સેવા, જાહેર નીતિ અને આર્થિક નિર્ણય પ્રક્રિયામાં બિહેવિયરલ ઇકોનોમિક્સની વધતી જતી ભૂમિકા અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ પ્રસંગે ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે, “અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓના સતત સમર્પણ સાથે અમારું લક્ષ્ય સુરતમાં એવી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવાનું છે, જે ઑક્સફોર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓની સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરી શકે.”

ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ વ્યાખ્યાન નવા કોલેજની શૈક્ષણિક વિચારધારાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે આ સત્રે વિદ્યાર્થીઓને માત્ર બિહેવિયરલ ઇકોનોમિક્સના વ્યવહારિક ઉપયોગો સાથે પરિચિત કર્યા નથી, પરંતુ એ પણ સાબિત કર્યું છે કે સુરતમાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ પણ યોગ્ય કારકિર્દી આયોજન, સમર્પણ અને દૃઢતા દ્વારા ઑક્સફોર્ડ યુનિવર્સિટી જેવી વિશ્વસ્તરીય સંસ્થાઓ સુધી પહોંચવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે.

બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની તે વ્યાપક શૈક્ષણિક વિચારધારાને સ્પષ્ટ કરી, જેના અંતર્ગત વૈશ્વિક દૃષ્ટિકોણ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ, બૌદ્ધિક શ્રેષ્ઠતા અને આજના સમયના પડકારો સાથે અર્થપૂર્ણ સંવાદને વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવનો અભિન્ન ભાગ બનાવવામાં આવશે.