Blog Post

સુરતમાં HSW અને SGCCI દ્વારા ‘Journey to Embropreneur’ સેમિનાર યોજાયો, એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં સ્વરોજગારની નવી તકો અંગે માર્ગદર્શન

સુરત: એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક લોકો માટે HSW અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત ઉપક્રમે આગામી 13 જુલાઈથી ‘Journey to Embropreneur’ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ અંગે માહિતી આપવા માટે શનિવાર, 4 જુલાઈના રોજ નાનપુરા સ્થિત SGCCI Education & Skill Development Centre ખાતે એક નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેમિનારમાં ફેશન ડિઝાઇનર્સ, બૂટિક સંચાલકો, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, વિદ્યાર્થીઓ તેમજ ઘરેથી પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન HSWના સ્થાપક તપન કાપડિયાએ એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં રહેલી વ્યવસાયિક તકો, ઓછી મૂડીથી વ્યવસાય શરૂ કરવાની રીત, ગ્રાહકો મેળવવાની વ્યૂહરચના, કોસ્ટિંગ, માર્કેટિંગ તથા સફળ એમ્બ્રોઇડરી બિઝનેસ ઊભો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે એક જ ડિઝાઇનને કોટન, સિલ્ક, ડેનિમ, નિટ અથવા અન્ય અલગ-અલગ પ્રકારના કાપડ પર સફળતાપૂર્વક એમ્બ્રોઇડરી કરવી એ એક કળા છે, જેના માટે યોગ્ય ટેકનિક અને પ્રેક્ટિકલ સમજ જરૂરી છે. આ વિષયની વિસ્તૃત તાલીમ અને પ્રાયોગિક શિક્ષણ ‘Journey to Embropreneur’ કોર્સમાં આપવામાં આવશે.

કોર્સમાં એમ્બ્રોઇડરી મશીનનું પ્રેક્ટિકલ ઓપરેશન, ડિઝાઇનિંગ સોફ્ટવેર, મશીન મેન્ટેનન્સ, ડિજિટાઇઝિંગ, કોસ્ટિંગ, માર્કેટિંગ તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લા 13 વર્ષથી સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન ક્ષેત્રે કાર્યરત HSW દેશભરમાં 7000થી વધુ એમ્બ્રોપ્રેન્યોર્સ સાથે જોડાયેલું છે. સેમિનારમાં ઉપસ્થિતોએ કોર્સ પ્રત્યે નોંધપાત્ર રસ દર્શાવ્યો હતો અને આગામી બેચ માટે નોંધણી પણ શરૂ કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું.