Blog Post

લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા યુવા નેતા સમ્રાટ પાટીલ પૂર પીડિતોની વ્હારે, 15 હજાર રાહત કીટનું કરશે વિતરણ

  • રવિવારે ડિંડોલીની ચાર સોસાયટીઓથી રાહત કીટનું શરૂ કર્યું વિતરણ

સુરત. સાત જુલાઈના રોજ સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હજારો પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં પૂરપીડિત પરિવારોને સહાયરૂપ બનવા માટે લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા અને હંમેશા સમાજસેવા માટે તત્પર રહેતા યુવા નેતા અને યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ આગળ આવ્યા છે.


સમ્રાટ પાટીલના હસ્તે આજે સાંજે પાંચ વાગ્યાથી ડિંડોલીની ચાર સોસાયટીઓથી રાહત કીટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ આગામી 13થી 15 દિવસ દરમિયાન કુલ 15,000 રાહત કીટનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં નવાગામ, ડીંડોલી અને લિંબાયત વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારોને કીટ આપવામાં આવશે. દરરોજ અલગ-અલગ સોસાયટીઓમાં જઈને જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત પહોંચાડવામાં આવશે.

દરેક રાહત કીટમાં 5 કિલો ચોખા અને 500 ગ્રામ દાળ સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવશે, જેથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ખાદ્ય સહાય મળી શકે.


સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે, પૂર બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. ત્યાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, કપડાં અને ઘરવપરાશની વસ્તુઓ સંપૂર્ણપણે બગડી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. અનેક પરિવારોનું મહિનાઓનું રાશન નષ્ટ થઈ ગયું હતું. આ દૃશ્યો જોઈ તેમને લાગ્યું કે સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવી જોઈએ અને શક્ય હોય તેટલી સેવા કરવી જોઈએ.

આ જ ભાવનાથી રાહત કીટ વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું પણ જે રીતે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળાશક્તિ મંત્રી સી.આર.પાટીલે હંમેશા જનસેવા અને જનહિત માટેના કાર્યો ને પ્રાધાન્ય આપ્યું છે તે મારા માટે પ્રેરણા છે અને એજ પ્રેરણા મને હમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા પૂરી પાડે છે.

તેમણે કહ્યું કે, “પૂરથી અસરગ્રસ્ત પરિવારોને અમારી તરફથી નાનકડી મદદરૂપ થવાનો પ્રયાસ છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન સેવા કરીને જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે.”

ઉલ્લેખનિય છે કે સમ્રાટ પાટીલ (સમ્રાટ ભાઉ) હંમેશા લોક સેવા માટે પ્રતિબદ્ધ છે.આ પહેલા સુરત ખાતે પૂજ્ય કથાકાર શ્રી પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કર્યું હતું. સાથે જ તાજેતરમાં જ બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિધાર્થીઓને ચેક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત દર વર્ષે તેઓ જરૂરિયાતમંદ વિધાર્થીઓને નોટબુક્સનું પણ વિતરણ કરે છે.