Blog Post

કરોડોના રોકાણ બાદ સપ્લાય બંધ, એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના બે ભાગીદારોની ધરપકડ

લેબમાં હીરા બનાવવાના ધંધામાં ઊંચા નફાનું સ્વપ્ન બતાવી વેપારીને રૂ. 3.50 કરોડનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ

સુરત. લેબગ્રોન ડાયમંડના ધંધામાં મોટા નફાની લાલચ આપીને વેપારી સાથે રૂ. 3.50 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં સુરત ઇકો સેલે એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ ભાગીદારીના નામે રોકાણ કરાવી કરોડો રૂપિયા મેળવી લીધા બાદ ન તો નફો આપ્યો હતો કે ન તો મૂળ મૂડી પરત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ચોકબજાર વિસ્તારમાં હોફ ફર્નિચરના માલિક તથા ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલને આરોપીઓએ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને વેચાણમાં મોટો નફો કમાવવાની લાલચ આપી હતી. બંનેએ દર મહિને 300 લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપવાનો વાયદો કર્યો હતો અને તે માટે નોટરાઇઝ કરાર પણ કરવામાં આવ્યો હતો.

આરોપીઓની વાતોમાં આવીને કેતન પટેલે અમેરિકામાં રહેતા પોતાના બહેન-બનેવી પાસેથી નાણાં મંગાવી કુલ રૂ. 4.50 કરોડનું રોકાણ કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિશ્વાસ સંપાદન કરવા માટે આરોપીઓએ શરૂઆતમાં રૂ. 1 કરોડ પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ. 3.50 કરોડ પોતાની પેઢીના ઉપયોગમાં લઈ લીધા હતા. બાદમાં નફો અથવા હીરા અંગે પૂછપરછ કરતાં આરોપીઓ મશીનો વધારવાના છે, લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે અને ગ્રોઇંગ ચાર્જ ચૂકવવો પડશે જેવા બહાનાં બતાવતા રહ્યા હતા.

શરૂઆતમાં કરાર મુજબ કેટલાક હીરા આપતા કેતન પટેલનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. જોકે થોડા સમય બાદ આરોપીઓએ અચાનક ઉત્પાદન બંધ કરી દીધું અને હીરાની સપ્લાય પણ રોકી દીધી હતી. પરિણામે કેતન પટેલનો વ્યવસાય ખોરવાઈ ગયો હતો અને તેમનું કરોડો રૂપિયાનું રોકાણ અટવાઈ ગયું હતું.

જ્યારે ફરિયાદીએ વારંવાર હીરા અથવા પોતાના નાણાં પરત આપવા માટે રજૂઆત કરી હતી ત્યારે આરોપીઓએ ટાળટૂળ શરૂ કરી હતી. અંતે ફોન બંધ કરીને સંપર્ક તોડી નાખતાં કેતન પટેલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. ત્યારબાદ તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે પોલીસે અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસીપી જી.એ. સરવૈયાએ જણાવ્યું હતું કે સુરત શહેર નેચરલ તથા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે અને આ ક્ષેત્રમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. હાલની તપાસ દરમિયાન અંકુશ નાકરાણી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેમની સામે અન્યત્ર પણ કોઈ ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે અંકુશ નાકરાણીનું નામ અગાઉ પણ વિવાદોમાં ચર્ચામાં રહ્યું છે. SIDBI લોન મેળવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં ડિસેમ્બર 2025 દરમિયાન CBI કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના અન્ય વિવાદોમાં પણ તેમનું નામ અગાઉ સામે આવી ચૂક્યું છે.