Blog Post

જળસંચય માટે પીએમ મોદીનું ડ્રીમ અભિયાન “કેચ ધ રેઇન” રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં પણ આગળ વધશે

સુરત, 12 ઓક્ટોબર: જનશક્તિ થકી જળશક્તિનો સંચય કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્નિલ યોજના ખૂબ ઝડપથી લોક ચળવળનું રૂપ લઈ રહી છે. “જળસંચય યોજના એ માત્ર યોજના નહી પરંતુ ભાવિ પેઢી માટે આપણે કરવાનું એક પુણ્યનું કામ છે. એટલે જ જળ એ માત્ર સંશાધનનો નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ભવિષ્યનો મુદ્દો છે”.

આ શબ્દો સાથે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં જળસંચય માટેની જન ભાગીદારી સાથેની વિશેષ યોજના “કેચ ધ રેઇન”નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગત છઠ્ઠી સપ્ટેમ્બરે આરંભ કરાવ્યો હતો. એક જ મહિનામાં સુરતથી રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન વેગવંતુ બની ચૂક્યુ છે.

એક જ મહિનામાં રાજ્યમાં માત્ર લોકભાગીદારી હેઠળ જળસંચય માટે 8817 કામ હાથ ધરવામાં આવ્યા અને તેમાંથી 4588થી વધુ કામ તો પૂરા પણ થઈ ચૂક્યા છે. 4229 કામ પ્રગતિ હેઠળ છે. ખૂબ નજીકના સમયમાં તે પણ પૂર્ણ થઈ જશે. તેના થકી રાજ્યમાં જળસંગ્રહની ક્ષમતા 28,823 ઘનફૂટ વધે તેવો અંદાજ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળની આ પહેલ એ વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે લોકચેતના જગાડવાની એક ચળવળ બની રહી છે, જેમાં સમાજની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ શબ્દોમાં જળસંચય યોજના એ માત્ર યોજના નહી પુણ્યનું કામ હોવાથી આ દિશામાં જનભાગીદારી થકી જે અભૂતપૂર્વ પરિણામો જોવા મળશે તે આગામી દિવસોમાં દુનિયા માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ શબ્દોને ચરિતાર્થ કરવા કેન્દ્રિય જળશક્તિ મંત્રાલયે કેચ ધ રેઈન અભિયાનને તબક્કાવાર દેશના તમામ રાજ્યોમાં વેગવંતુ બનાવવા માટેનું આયોજન કર્યું છે.

આગામી રવિવારે 13મી ઓક્ટોબરે કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના પ્રયાસ થકી દેશના પ્રમુખ રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં જળસંચય માટેની જન ભાગીદારી સાથેની આ વિશેષ યોજના “કેચ ધ રેઇન” અભિયાનનો વિસ્તાર કરાશે. સુરતના અઠવાલાઈન્સ સ્થિત ઇનડોર સ્ટેડિયમમાં આ માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાંજે ત્રણ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

જળસંચય માટેના અભિયાનને આગળ વધારવા માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં સુરતને કર્મભૂમિ બનાવનારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યના સક્ષમ અગ્રણી ઉદ્યમીઓ જેઓ હવે સુરતમાં સ્થાયી થયા છે, તેઓ પોતાના ગૃહરાજ્યોમાં જળસંચય માટેનું વિશેષ અભિયાન “કેચ ધ રેઇન” જે લોકચેતનાનો પ્રવાહ બની રહ્યો છે, તેને આગળ વધારવામાં સામુદાયિક જવાબદારીને હાથ ઉપર લેશે. સુરતમાં ઉદ્યમ કરી સ્થાયી થયેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યના આગેવાન ઉદ્યમીઓએ પોતાના ગૃહરાજ્યના પ્રત્યેક જિલ્લામાં લગભગ તમામ ગામમાં જળસંયય માટે ચાર પ્રકલ્પની જવાબદારી સ્વીકારી છે, આ અંગેની મહત્ત્વની જાહેરાત પણ કરાશે. આ વિશેષ સામુદાયિક પહેલ જનભાગીદારી અને જળ સંરક્ષણની દિશામાં એક સીમાચિહ્ન બની શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળસંચય માટેના આ અભિયાનનો આરંભ કરતી વખતે મહત્ત્વના શબ્દો કહ્યાં હતાં કે, ક્લાઈમેટ ચેઈન્જના પડકાર વચ્ચે પાણીની સમસ્યાને ધ્યાને રાખીને લોકોને સાથે રાખીને કામ કરવું પડશે, સમગ્ર દુનિયાનું માત્ર ચાર ટકા પીવાલાયક પાણી આપણા દેશમાં છે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભુગર્ભ જળની સપાટીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સ્થિતિને પહોંચી વળવા માટે દેશના નાગરિકોએ કટિબદ્ધ થવું પડશે. આ માટે જળસંચય જનભાગીદારી યોજના જ સાર્થક સાબિત થશે. વડાપ્રધાન મોદીના આ ઉંડા શબ્દોને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે અત્યંત ગંભીરતાથી ધ્યાને લઈને કુનેહપૂર્વક જનભાગીદારીથી જળસંચય અભિયાનને દેશભરમાં વ્યાપક બનાવવા માટેનું આયોજન કરી દીધું છે.

ગુજરાતમાં શરૂઆત કરી દીધા બાદ આગામી રવિવારે તેનો બીજો તબક્કો શરૂ કરવાની તડામાર તૈયારી કરી દેવામાં આવી છે.