એક સાથે 108 પરિવારોએ માતૃ પિતૃ પૂજન કરી માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તો 100 થી વધુ પરિવારના સભ્યો આ કાર્યક્રમના સાક્ષી બન્યા
સુરત. કાપડ અને ખાસ કરીને કુર્તી અને દુપટ્ટાનું મેન્યુફેક્ચરિંગ કરતી અગ્રણી કંપની એમ. કાજો ટેકશો ફેબ દ્વારા પ્રોગ્રેસ એલાયન્સ થી પ્રેરિત થઈને માતૃ પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવાના એક નાનકડા પ્રયાસના ભાગરૂપે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પાંચમું ધામ “વંદન” નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 થી વધુ પરિવારોએ એક સાથે પોત પોતાના માતા પિતા નું પૂજન કરી તેમને વંદન કર્યા હતા.

આ અંગે એમ. કાજો ટેકશો ફેબના ફાઉન્ડર સદસ્યો વિજય કાજાવદરા , મનોજભાઈ ધોળિયા અને મનીષભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે આ દુનિયામાં માતા પિતાના ચરણો એ પાંચમું ધામ છે. તેઓના ૠણ આ જનમ તો શું સાત જન્મોમાં પણ ચૂકવી શકાય નહીં. પણ દરેક વ્યક્તિએ માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ એવા ઉદ્દેશ્ય સાથે જ એમ. કાજો ટેકશો ફેબ પ્રા. લિમિટેડ ખાતે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ પાંચમું ધામ “વંદન” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એમ. કાજો ટેકશો ફેબના 108 થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો. જાણીતા પ્રેરક વક્તા મનીષભાઈ વઘાસિયા દ્વારા સામૂહિક રીતે માતૃ પિતૃ પૂજન કરાવવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ માતા પિતા નું જીવનમાં મહત્વ અંગે કેટલીક પ્રેરક વાતો પણ કહી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર 108 પરિવારોએ પોત પોતાના માતા પિતા નું પૂજન કરી અને તેમના ચરણોમાં શિશ ઝુકાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી તો આ કાર્યક્રમમાં અન્ય 100 થી વધુ પરિવારોના સભ્યોએ હાજર રહી આ પ્રેરક કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.