Blog Post

ચોથી રાજ્ય કક્ષાની ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધાનું આયોજન

સુરત. ગુજરાતના નવસારી ખાતે સર સીજેએનઝેડ પારસી હાઈસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચોથી ગુજરાત સ્ટેટ ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેપલિંગ એસોસિયેશન દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ વલસાડ, સુરત, વડોદરા, ખેડા, દાહોદ, અમદાવાદ, આનંદ, મહીસાગર, મહેસાણા, ડાંગ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, છોટા ઉદેપુર અને મોરબી થી કુલ 579 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 232 પુરુષ અને 256 મહિલા ખેલાડીઓ સામેલ હતી. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીઓ આવતા મહિને આયોજિત થનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધીત્વ કરશે. સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય લઘુમતી પંચ, ભારત સરકારના ઉપાધ્યક્ષ કેરસી દેબુ અને મુખ્ય અતિથિ તરીકે ડો. રૂસ્તમ સદરી, ડૉ.મયુર પટેલ, અશ્વિન કહાર, મનહર ધોડિયા ઉપસ્થિત રહ્યા હતા. અતિથી વિશેષ તરીકે ગ્રેપલિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ગુજરાતના અધ્યક્ષ શ્રી ફારુદુન મિર્ઝા, ગુજરાત ગ્રેપલિંગ કમિટી ના ચેરમેન શ્રી સુભાષ દાવર અને સેક્રેટરી શ્રી અમિત કલસરિયા, કોષાધ્યક્ષ મર્જબાન પાત્રાવાલા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારતા સંબોધનમાં ગુજરાત ગ્રેપલિંગ કમિટીના દાવરે જણાવ્યું હતું કે કુસ્તી જેવી રમતને પણ ગુજરાતની નંબર એક રમત બનાવવી છે. જેથી હાર જીતની ચિંતા કર્યા વગર મન થી અને હિંમત સાથે રમત રમવાની છે. તેઓએ એક ડગલું આગળ વધીને એવી ઈચ્છા વ્યકત કરી કે એક દિવસ એવો આવશે કે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગર્વ સાથે કહેશે કે અન્ય બાબતોનો સાથે ગુજરાત કુસ્તીમાં પણ નંબર એક છે. તેઓએ જણાવ્યું કે આ વખતે રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં થાય તે માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અંતે વિજેતા ખેલાડીઓને ફરુદુન મિર્ઝા, અધ્યક્ષ સુભાષ દાવર અને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત સમાજ સેવિકા ગીતાબેન શ્રોફના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગ્રેપલિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ગુજરાતના સૌ પદાધિકારીઓએ વિજેતા ખેલાડીઓને અભિનંદન સાથે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.