“દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓની ખતરનાક ઈરાદા અને ષડયંત્ર જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ” : સાંસદ બ્રૃજલાલજી
સુરત : પુસ્તક વિમોચન સમિતિ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તારામતી હોલ ખાતે બ્રૃજલાલજી (રાજ્યસભાના સાંસદ) ની ગુજરાતી બુક “ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તકનો વિમોચન સમારોહ 21 એપ્રિલ, સોમવારના રોજ યોજાયો હતો.
સાંસદ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અને આ પુસ્તકના લેખક શ્રી બ્રૃજલાલજીએ કહ્યું હતું કે, “ભારતની પ્રગતિના વિરોધી કેટલાક કટ્ટરપંથી લોકો વર્ષ 2047 સુધીમાં ભારતને ગજવા એ હિન્દ, ઈસ્લામિક ઈન્ડિયા બનાવવા માંગે છે. સામાન્ય માણસ તેમના ઈરાદાઓથી અજાણ છે. દેશ વિરોધી તત્વોની ખતરનાક મનસા જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ.”
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા મુખ્ય મહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી અને વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ભરત શાહ, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં શ્રી બ્રૃજલાલજીએ ઉત્તરપ્રદેશના ડીજીપી તેમજ ડીજી-સિવિલ ડિફેન્સ અને ડીજી-સીઆરપીએફ તરીકે તેમની કાર્યો અને અનુભવો અંગે માહિતી આપી હતી. વીતેલા વર્ષો દરમિયાન આતંકી સંગઠનો દ્વારા દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લશ્કરે તોયબાનું ઇન્ડિયન વર્ઝન ઇન્ડિયન મુજાહિદ્દીન છે. આ પુસ્તકમાં તેમણે દિલ્હી, મુંબઈ, જયપુર, બનારસ, અમદાવાદ સહિતના શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ, આતંકી સંગઠનની યોજનાઓ, આતંકીઓને હથિયારો ચલાવવા અને બોમ્બ બનાવવા આપવામાં આવતી તાલીમ, તેમના ટાર્ગેટ, આતંકી સંગઠનને ફંડિંગ માટે દેશભરમાં વેપારીઓના અપહરણ, વર્ષ 2007-08 દરમિયાન ગુજરાતમાં રચવામાં આવેલા ષડયંત્ર, અમદાવાદ-સુરતમાં બોમ્બ બ્લાસ્ટની યોજનાઓ,
આતંકી તત્વો દ્વારા કરવામાં આવેલા ઇ-મેઈલ, ભડકાવનારા નિવેદનો, ગુજરાત પોલીસની કાર્યવાહી, કોર્ટમાં હિયરિંગ, આતંકીઓને થયેલી સજાઓ વગેરે બાબતોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે.
પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું કે, એક સિવિલ સર્વન્ટ રહી ચૂકેલા ઉચ્ચ અધિકારી દ્વારા “સિવિલ સર્વન્ટ ડે” ના દિવસે જ આ પુસ્તકનું વિમોચન એ ઘણો મોટો સંયોગ છે. તેમણે ગુજરાતમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા બ્લાસ્ટ, પોલીસની કાર્યવાહી, આરોપીઓને થયેલી સજા અંગેની વાતો શેયર કરી હતી.