પરિવાર, મિત્રતા, લાગણીઓ, સંબંધોના ઉતાર-ચઢાવ અને એવો એક સામાજિક વિષય, જેના વિશે આજે પણ ખુલ્લેઆમ વાત કરતાં ઘણા લોકો સંકોચ અનુભવે છે. આવા તમામ પાસાઓને એકસાથે રજૂ કરતી સાત એપિસોડની વેબ સિરીઝ ‘Bleed With Pride’ (બ્લીડ વિથ પ્રાઇડ) 11 જુલાઈથી White Tiger Production Houseની સત્તાવાર YouTube ચેનલ પર નિઃશુલ્ક રજૂ થવા જઈ રહી છે. નિર્માતા જયશીલા ચાવડાનો હેતુ માત્ર મનોરંજક વેબ સિરીઝ રજૂ કરવાનો નથી, પરંતુ સમાજમાં એક જરૂરી ચર્ચાની શરૂઆત કરવાનો પણ છે.
આજે પણ દેશના અનેક વિસ્તારોમાં માસિક ધર્મ (પીરિયડ્સ)ને લઈને અનેક ગેરમાન્યતાઓ અને સામાજિક વરજતો જોવા મળે છે. પીરિયડ્સ, સેનિટરી પેડ, અસ્પૃશ્યતા અને મહિલાઓના સ્વાસ્થ્ય જેવા વિષયો પર પરિવારોમાં ખુલ્લી ચર્ચા થતી નથી. આવી જ વાસ્તવિક પરિસ્થિતિઓ, સામાજિક ઘટનાઓ અને વિવિધ અહેવાલોથી પ્રેરાઈને આ વેબ સિરીઝની રચના કરવામાં આવી છે, જેથી મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ પણ ફેલાઈ શકે.
સિરીઝની વાર્તા એક નાના ગામમાં રહેતી આશા નામની કિશોરીના જીવનની આસપાસ ગોઠવાઈ છે. તેની નાની બહેન છાયા સાથે બનેલી એક દુઃખદ ઘટના પછી આશાનું જીવન બદલાઈ જાય છે. ત્યારબાદ હોસ્ટેલનું નવું વાતાવરણ, નવી મિત્રતા અને જીવનના વિવિધ અનુભવો તેને નવી વિચારસરણી અને નવી દિશા આપે છે. આ માત્ર એક પાત્રની વાર્તા નથી, પરંતુ એવી અનેક દીકરીઓની કહાની છે, જે કોઈ ને કોઈ રીતે સમાજમાં ચાલતી જૂની માન્યતાઓનો સામનો કરે છે.

હોસ્ટેલમાં મળેલી ચાર યુવતીઓની મિત્રતા આ વેબ સિરીઝની સૌથી મોટી તાકાત છે. તેમની મસ્તી, લાગણીસભર ક્ષણો, નાના-મોટા મતભેદ, એકબીજાનો સાથ અને મુશ્કેલ સમયમાં એકબીજાને આપેલો સહારો—આ બધું જ વાર્તાને દર્શકો સાથે જોડે છે. તેથી જ દરેક વયના દર્શકોને આ પાત્રોમાં ક્યાંક ને ક્યાંક પોતાનું કે પોતાના આસપાસના લોકોનું પ્રતિબિંબ જોવા મળશે.
‘Bleed With Pride’ માત્ર પીરિયડ્સ પૂરતી મર્યાદિત નથી. તેમાં PCOD, મહિલાઓનું સ્વાસ્થ્ય, સેનિટરી હાઇજીન, સામાજિક ભેદભાવ, અસ્પૃશ્યતા તેમજ નિઃસંતાનતા (Infertility) જેવા સંવેદનશીલ વિષયોને પણ સરળ અને માનવીય અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ સિરીઝ પરંતુ તેની વાર્તા અને પાત્રો દ્વારા વિચારવા અને ખુલ્લી ચર્ચા શરૂ કરવા માટે પ્રેરણા આપે છે.
વેબ સિરીઝમાં આકૃતિ શર્મા, શ્રેયલ કલરા, રિયા સચદેવા અને ગ્રુષા માંધ્યાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમના અભિનય દ્વારા વાર્તાનો ભાવનાત્મક પાસો અને સામાજિક સંદેશ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. બાળ કલાકાર આરોહી પટેલ પણ આ વેબ સિરીઝનો ભાગ છે.

White Tiger Production Houseની સમગ્ર ટીમનું માનવું છે કે કોઈપણ સામાજિક વિષયને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવો હોય તો તેની સાથે મનોરંજનનું સંતુલન પણ એટલું જ જરૂરી છે. આ જ વિચાર સાથે વેબ સિરીઝમાં ફેમિલી ડ્રામા, મિત્રતા, લાગણીઓ અને સામાજિક સંદેશને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે, જેથી દર્શકો વાર્તા સાથે જોડાયેલા રહે અને સાથે સાથે એક મહત્વના વિષય પર વિચારવા માટે પ્રેરાય.
આ માત્ર એક વેબ સિરીઝ નથી, પરંતુ અનુભવી શકાય એવી એક લાગણીસભર સફર છે. આશા છે કે આ વાર્તા મનોરંજનની સાથે માસિક ધર્મ અને મહિલાઓના સ્વાસ્થ્ય જેવા વિષયો પર દરેક પરિવારમાં ખુલ્લી ચર્ચાની નવી શરૂઆત કરશે.
સિરીઝના તમામ સાત એપિસોડ દર અઠવાડિયે એક પછી એક રજૂ કરવામાં આવશે.
