Blog Post

વિશ્વના સૌથી ભવ્ય ફેશન શો નું આયોજન, રેડ એન્ડ વ્હાઇટ સ્કીલ એજ્યુકેશન દ્વારા સુરતમાં આયોજિત ફેશન શોમાં વિદ્યાર્થીઓએ દાખવી પ્રતિભા

સુરત: શહેરે શનિવારની સાંજે ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અદભૂત મેળાપ નિહાળ્યો. રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા આયોજિત ‘ફેશન શો ૨૦૨૬’એ ભવ્યતા, નવીનતા અને પ્રતિભાના પ્રદર્શનના નવા માપદંડો સ્થાપિત કર્યા. આ ભવ્ય આયોજન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના સૌથી મોટા ફેશન શોમાં સ્થાન પામ્યું છે.

શહેરના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં ૬,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ પ્રોફેશનલ મોડેલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાળિયાના નેતૃત્વ હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો, જેમાં તેઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રદર્શિત કરી શકે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા આકર્ષક, અનોખા અને નવીન પરિધાનોનું ભવ્ય પ્રદર્શન રહ્યું. રેમ્પ પર પ્રોફેશનલ મોડેલ્સે વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, મહેનત અને સર્જનાત્મકતા સાથે તૈયાર કરાયેલા પરિધાનોને શાનદાર અંદાજમાં રજૂ કર્યા. દરેક રજૂઆતે ઉપસ્થિત દર્શકોની દિલથી પ્રશંસા મેળવી અને તાળીઓના ગડગડાટ વચ્ચે મોડેલ્સ તથા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થયું.

આ પ્રસંગે સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું અને યુવા ડિઝાઇનર્સને પ્રેરણા પૂરી પાડી. તે ઉપરાંત પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોક્સી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. પરંપરાગત સૌંદર્ય, આધુનિક શૈલી અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય આ ફેશન શોની વિશેષ ઓળખ બની રહ્યો હતો.
આ આયોજન એ માત્ર વિદ્યાર્થીઓની પ્રતિભાને નવી ઉડાન આપી નથી, પરંતુ સુરતને ફેશન અને ડિઝાઇનિંગના ઉદ્ભવતા કેન્દ્ર તરીકે નવી ઓળખ પણ અપાવી છે. ‘ફેશન શો ૨૦૨૬’એ સાબિત કરી દીધું કે જ્યારે શિક્ષણ, કૌશલ્ય અને સર્જનાત્મકતા એક જ મંચ પર એકત્ર થાય છે, ત્યારે પરિણામ અસાધારણ હોય છે.

યુવા પ્રતિભાઓ માટે આ કાર્યક્રમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને લાંબા સમય સુધી તેમની યાદોમાં જીવંત રહેશે. સુરતના ફેશન જગતમાં આ આયોજન એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થયું છે.