Blog Post

સાર્વજનિક યુનિવર્સિટીએ NSS ના નેતૃત્વમાં સમૂહગાન સાથે વંદે માતરમના 150 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી

સુરત : સાર્વજનિક યુનિવર્સિટીએ તેના NSS યુનિટ સાથે મળીને, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી માટે એક ખાસ સમૂહગાન કાર્યક્રમનું ગૌરવભેર આયોજન કર્યું હતું. આ ઉજવણી 20 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાઈ હતી. તેમાં 170 થી વધુ વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા અને સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈના આશીર્વાદ અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમની હાજરી અને પ્રેરણાદાયક શબ્દોએ આ પ્રસંગને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવ્યો હતો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સૌને વંદે માતરમના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને દેશભક્તિના મહત્વ પર ચિંતન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આ દમદાર સામૂહિક પ્રસ્તુતિના માધ્યમથી, સાર્વજનિક યુનિવર્સિટીએ યુવા નાગરિકોને એકતાના મહત્વ, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને રાષ્ટ્રનિર્માણની સહિયારી જવાબદારીની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારના આયોજનો, રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવામાં, સામાજિક એકતાને મજબૂત બનાવવામાં તેમજ જવાબદાર તથા સહાનુભૂતિશીલ યુવાનોના ઘડતરમાં મદદ કરે છે. વાસ્તવમાં, આ ગુણો અને સહકારની ભાવના, પ્રગતિશીલ ભારતને આકાર આપવા માટે ખુબજ જરૂરી છે.

સાર્વજનિક યુનિવર્સિટીએ NSS પહેલ દ્વારા, સાંસ્કૃતિક જાગૃતિ, નાગરિક જવાબદારી અને સેવાલક્ષી નેતૃત્વને પ્રોત્સાહન આપીને સર્વાંગી શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ અને જીવન ઘડતર માટેના પ્રોત્સાહક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે.

વંદે માતરમ !