Blog Post

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા અદ્યતન કેન્દ્રીય લાઇબ્રેરી પહેલથી વિદ્યાર્થી અભ્યાસને નવી દિશા

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટી (SES–SU) દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય લાઇબ્રેરી પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી હવે તમામ ઘટક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકો માટે એક વ્યાપક શૈક્ષણિક સંસાધન કેન્દ્ર તરીકે કાર્યરત બની છે.
સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપમાં ૩ લાખથી વધુ પુસ્તકો સહિત વિશાળ શૈક્ષણિક સંકલનનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થી પોતાની ફેકલ્ટીથી પર અન્ય ફેકલ્ટીની લાઇબ્રેરીના સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, એન્જિનિયરિંગ ફેકલ્ટીનો વિદ્યાર્થી આર્ટ્સ ફેકલ્ટીની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે અને તે જ રીતે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ પરસ્પર સંસાધનોનો લાભ લઈ શકે છે. આ પહેલ શિક્ષણ, અભ્યાસ અને સંશોધન પ્રવૃત્તિઓને સતત સહકાર પૂરો પાડશે.
લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીના સંગ્રહ, વર્ગીકરણ, સંચાલન અને જાળવણીની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી રહી છે. સાથે સાથે, ડિજિટલ એક્સેસ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીમૈત્રી અભ્યાસ વાતાવરણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે SES–SU હેઠળ કાર્યરત ૧૪ સંસ્થાકીય લાઇબ્રેરીઓને એક સંકલિત લાઇબ્રેરી નેટવર્ક દ્વારા જોડવામાં આવી છે. આ નેટવર્કથી તમામ લાઇબ્રેરીઓ વચ્ચે પુસ્તકો અને વાંચન સામગ્રીનું સરળ આદાન-પ્રદાન તેમજ બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ સુધી સહેલાઈથી પહોંચ શક્ય બની છે.
આ કેન્દ્રીય વ્યવસ્થાના કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે તમામ જોડાયેલી લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો અને સંસાધનો સરળતાથી મેળવી શકશે. પરિણામે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, જર્નલ્સ, સંશોધન પ્રકાશનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સામગ્રીનો વિશાળ ભંડાર ઉપલબ્ધ બનશે.
આ કેન્દ્રીય લાઇબ્રેરી નેટવર્ક આંતરવિષયક અભ્યાસને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા બહારના વિષયોના સંસાધનોનો પણ અભ્યાસ કરી શકશે. સાથે સાથે, પ્રોજેક્ટ વર્ક, ડિસર્ટેશન, ઇન્ટર્નશિપ અને સંશોધન પ્રવૃત્તિઓ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય અને ડિજિટલ ડેટાબેઝ સુધી વધુ સગવડભર્યો પ્રવેશ મળશે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તથા સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે, “આ પહેલનો મુખ્ય હેતુ તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માહિતી અને જ્ઞાન સંસાધનોની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને વાંચન સંસ્કૃતિ, સ્વઅભ્યાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે.”