– ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન પર મંથન, સ્ટાર્ટઅપ જગતની અગ્રણી હસ્તીઓએ પણ ઉપસ્થિત રહી
સુરત: દેશના અગ્રણી સ્ટાર્ટઅપ આયોજનોમાં સ્થાન ધરાવતા 21BY72 સીઝન-5નો પ્રારંભ શુક્રવારે સુરતના અવધ યુટોપિયામાં થયો હતો. સમિટના પ્રથમ દિવસે 5 હજારથી વધુ સહભાગીઓની હાજરીએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગસાહસિકતા તથા ઇનોવેશનને આપવામાં આવી રહેલા પ્રોત્સાહન પર પ્રકાશ પાડ્યો હતો.
સમિટમાં યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિવિધ સત્રોમાં અશનીર ગ્રોવર, ઝહીર ઈકબાલ, અંગદ બેદી તેમજ અર્જુન વૈદ્યે પોતાના અનુભવો શેર કર્યા હતા. વક્તાઓએ સ્ટાર્ટઅપ સામે આવતી પડકારજનક પરિસ્થિતિઓ, વ્યક્તિગત બ્રાન્ડ નિર્માણ, વ્યવસાયમાં આવતાં ઉતાર-ચઢાવ અને સફળતાના સૂત્રો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આયોજન સ્થળે ઉભા કરાયેલા પ્રદર્શન ક્ષેત્રમાં પણ દિવસભર ભારે ચહલપહલ જોવા મળી હતી. અહીં સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ, નેટવર્કિંગ તથા સંભવિત ભાગીદારી અંગે ચર્ચાઓનો દોર ચાલુ રહ્યો હતો.
આયોજકોના જણાવ્યા મુજબ સમિટના પ્રથમ દિવસે મળેલા ઉત્સાહજનક પ્રતિસાદે કાર્યક્રમ માટે નવા માપદંડ સ્થાપિત કર્યા છે. બીજા દિવસે પણ અનેક મહત્વપૂર્ણ સત્રો, રોકાણકારો સાથે સંવાદ અને નવાચાર આધારિત કાર્યક્રમો યોજાનાર છે, જેના કારણે સ્ટાર્ટઅપ ક્ષેત્રને નવી તકો પ્રાપ્ત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
