Blog Post

બાળકોના ચહેરા પર સ્મિત લાવવા સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટની અનોખી પહેલ: ચિલ્ડ્રન્સ ડે પર અનાથ બાળકો સાથે ઉજવણી

સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટમાં 50થી 60 બાળકો માટે ગેમ્સ, મનોરંજન, ભોજન અને ભેટનું આયોજન કરાયું

 છેલ્લા 14 વર્ષોથી ચાલી આવતી પહેલ પાછળનો હેતુ અનાથ બાળકોને પણ પોતીકુંપણું અને હૂંફનો અહેસાસ કરાવવોનો છે

સુરત. ચિલ્ડ્રન્સ ડે માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો પણ અવસર છે. આ ભાવના સાથે શહેરની સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાથ બાળકો સાથે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટ દ્વારા 14 વર્ષ થી ચાલતી આ પહેલ અંતર્ગત આ વખતે પીપલોદ સ્થિત ઇસ્કોન મોલ પાછળ આવેલી સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટમાં આશરે 50થી 60 બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને રમાડવા માટે ખાસ એન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને ભોજન માટે વિશેષ મેનુ પીરસવામાં આવ્યું હતું અને દરેક બાળકને ભેટ આપીને ખુશીની પળો ભેટ કરવામાં આવી હતી. અનાથ આશ્રમમાં રહેતા બાળકોને રોજિંદા વાતાવરણથી અલગ આનંદ અને મનોરંજનનો અનુભવ કરાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

– પોતીકુંપણાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ

સ્પાઇસ વિલા રેસ્ટોરન્ટના ઉમેશ પવાસિયાએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ચિલ્ડ્રન્સ ડે પર અનાથ બાળકો સાથે આ રીતે ઉજવણી કરતા આવ્યા છે. અનાથ આશ્રમમાં માતા-પિતા વિના ઉછરી રહેલા બાળકોને પણ રેસ્ટોરન્ટમાં જમવાની, રમવાની અને ભેટ મેળવવાની ખુશી મળે તેવો તેમનો પ્રયાસ છે. બાળકોને એવું લાગે કે તેમની ખુશીમાં સહભાગી થનારા અને તેમને પોતાનાં માનનારા લોકો પણ સમાજમાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ દિવસના અવસરે અનાથાશ્રમનાં બાળકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત બાળકોને અમારી રેસ્ટોરન્ટમાં આમંત્રિત કરીને તેમના માટે ખાસ લંચ, વિવિધ મનોરંજક રમતો, પ્રવૃત્તિઓ અને ભેટોની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી ઉમેશ પવાસિયાનું માનવું છે કે બાળકોના ચહેરા પર સ્મિત લાવવું અને તેમની સાથે ખુશીની પળો વહેંચવી એ માત્ર એક સામાજિક પ્રવૃત્તિ નથી, પરંતુ સમાજ પ્રત્યેની આપણી જવાબદારીનો એક સુંદર ભાગ છે. આ પહેલ દ્વારા તેમનો ઉદ્દેશ વધુમાં વધુ લોકો અને બિઝનેસ સંસ્થાઓને પણ પ્રેરિત કરવાનો છે, જેથી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકોની મદદ માટે આગળ આવે.

અમારા માટે આજનો દિવસ માત્ર એક કાર્યક્રમનું આયોજન કરવાનો નથી, પરંતુ આ બાળકો સાથે થોડો આનંદમય સમય વિતાવવાનો, તેમને ખાસ હોવાનો અહેસાસ કરાવવાનો અને તેમની સાથે સુંદર યાદો બનાવવાનો છે.
મારું વ્યક્તિગત માનવું છે કે દરેક બાળકને પ્રેમ, ખુશી, પ્રોત્સાહન અને જીવનમાં આગળ વધવાની સમાન તકો મળવી જોઈએ. કોઈપણ બાળક એવું ન અનુભવે કે તે ખુશીઓથી વંચિત છે અથવા સમાજમાં તેને કોઈ સ્થાન નથી.
એક બિઝનેસ સંસ્થા તરીકે અમે માનીએ છીએ કે આપણી જવાબદારી માત્ર રેસ્ટોરન્ટ ચલાવવા અને મહેમાનોને સારી સેવા આપવા પૂરતી સીમિત ન હોવી જોઈએ. આપણે જે સમાજનો એક ભાગ છીએ, તે સમાજ પ્રત્યે પણ આપણી કેટલીક જવાબદારીઓ છે અને તેમાં સકારાત્મક યોગદાન આપવું જોઈએ.
આ પ્રવૃત્તિ હવે અમારા માટે દર વર્ષની એક સુંદર પરંપરા બની ગઈ છે અને અમને ખૂબ આનંદ થાય છે કે અમે આ પરંપરાને સતત આગળ વધારી રહ્યા છીએ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પવાસિયા હોસ્પિટાલિટીની અમારી આખી ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું.

હું ઈચ્છું છું કે વધુમાં વધુ બિઝનેસ સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ આગળ આવે અને પોતાની ક્ષમતા મુજબ આવા નાના-નાના સામાજિક કાર્યોમાં યોગદાન આપે.
બાળકોની ખુશી અને સંતોષ વિશે
ખરેખર કહું તો, બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળે છે, એ જ અમારા માટે સૌથી મોટો સંતોષ અને પુરસ્કાર છે. રેસ્ટોરન્ટના વ્યવસાયમાં અમે દરરોજ સેંકડો મહેમાનોને સેવા આપીએ છીએ, પરંતુ આજનો દિવસ અમારા માટે કંઈક અલગ છે. આજે આ બાળકોને પ્રેમથી ભોજન પીરસવામાં, તેમની સાથે સમય વિતાવવામાં અને તેમને ખુશ થતાં જોવામાં જે આનંદ મળે છે, તેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.
અન્ય બિઝનેસ સંસ્થાઓ અને લોકો માટે સંદેશ
હું એટલું જ કહેવા માગીશ કે કોઈની મદદ કરવા માટે તમારી પાસે મોટું બજેટ હોવું કે મોટી સંસ્થા હોવી જરૂરી નથી. તમે જે કરી શકો તેનાથી શરૂઆત કરો. કોઈની સાથે થોડો સમય વિતાવવો, કોઈને ભોજન કરાવવું કે કોઈના ચહેરા પર સ્મિત લાવવું, આવી નાની બાબતો પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.
દરેક બિઝનેસ સંસ્થાએ પોતાની ક્ષમતા મુજબ સમાજને કંઈક પાછું આપવાનો પ્રયાસ કરવો જોઈએ.
અમે માનીએ છીએ કે બિઝનેસ માત્ર આર્થિક સફળતા મેળવવા માટે જ નથી હોતો, પરંતુ તેની સાથે આપણે જે સમાજમાં રહીએ છીએ, તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારી પણ એટલી જ મહત્વની છે.