Blog Post

એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ભૂગોળ શિક્ષકે ભારતના બેસ્ટ ટીચર્સ એવોર્ડઝ 2026ના ટોચના 5 રાષ્ટ્રીય ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું

હઝીરા – સુરત, સપ્ટેમ્બર 19, 2026: એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના PGT – ભૂગોળ (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર – ભૂગોળ) સોમનાથ મુખર્જીને ભારતના બેસ્ટ ટીચર્સ એવોર્ડ્ઝ 2026ના ભૂગોળ વિભાગમાં ટોચના 5 રાષ્ટ્રીય ફાઇનલિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ પ્રથમ વખત યોજાયેલા ઈન્ડિયાઝ બેસ્ટ ટીચર્સ એવોર્ડ્સ 2026નું સંયુક્ત આયોજન શિવ નાદાર ફાઉન્ડેશન અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેઈડ બિઝનેસ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ્સ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને સન્માનિત કરે છે, જેઓ નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વર્ગખંડમાં અસરકારક શૈક્ષણિક પ્રયોગો માટે નોંધપાત્ર કાર્ય કરે છે. 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલી 10,000થી વધુ નોંધણીઓમાંથી 79 શિક્ષકો રાષ્ટ્રીય ફાઇનલિસ્ટ તબક્કા સુધી પહોંચ્યા હતા. સોમનાથ મુખર્જી ભૂગોળ વિષયના 5 ફાઇનલિસ્ટ બન્યા છે. ઉપરાંત, સુરત શહેરમાંથી એકમાત્ર શિક્ષક છે, જેમને આ સન્માન પ્રાપ્ત થયુ છે.

તેમના શૈક્ષણિક પદ્ધતિઓના પોર્ટફોલિયોમાં તાપી મુખપ્રદેશ, હઝીરા ઔદ્યોગિક કોરિડોર અને મોબાઇલ GIS કાર્ટોગ્રાફી દ્વારા ક્ષેત્ર-આધારિત શિક્ષણનો સમાવેશ થતો હતો. આ કાર્યને કારણે તેમને રોયલ જીઓગ્રાફિક સોસાયટી, લંડન સાથે સંશોધન પેપર પ્રકાશિત કરવા માટે આમંત્રણ પણ મળ્યું હતું. શિવ નાદાર યુનિવર્સિટી, દિલ્હી એનસીઆર ખાતે તાજેતરમાં યોજાયેલા ગ્રાન્ડ ફાઈનલમાં સોમનાથ મુખર્જીને સંસ્થાકીય સ્મૃતિચિહ્નો અને ઓક્સફર્ડ-સેઈડ ફેલોશીપ કીટ પ્રાપ્ત થઈ હતી.
આ સન્માન શાળાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને નવીન તથા ક્ષેત્ર-આધારિત શિક્ષણ અભિગમોને પ્રોત્સાહન આપતા એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના શૈક્ષણિક વાતાવરણને પ્રતિબિંબિત કરે છે.

સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું હતુ કે “આ સન્માન અમારા શિક્ષકમંડળની નિષ્ઠા અને શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે અને ઉચ્ચતમ શૈક્ષણિક ધોરણો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”