Blog Post

ઓડિશાના AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટરની ઓલિમ્પિયન પ્રણતિ નાયક એશિયન ગેમ્સ 2026માં ભારત તરફથી રમશે

આઇચી-નાગોયા એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી એકમાત્ર ભારતીય જિમ્નાસ્ટ

મુંબઈ, 14 સપ્ટેમ્બર 2026: ભુવનેશ્વર સ્થિત ‘ઓડિશા AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટર’ (ઓડિશા AM/NS GHPC) ખાતે તાલીમ મેળવી રહેલી ઓલિમ્પિયન પ્રણતિ નાયકને 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનારી 20મી એશિયન ગેમ્સ 2026માં ભારત તરફથી રમવા માટે પસંદ કરવામાં આવી છે.

પ્રણતિ એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી એકમાત્ર ભારતીય જિમ્નાસ્ટ છે અને તે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં મહિલાઓની વૉલ્ટ અને ઓલ-અરાઉન્ડ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

પોતાના શાનદાર પરફોર્મન્સના પગલે પસંદગી પામેલી પ્રણતિએ તાશ્કંદ, ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલી FIG વર્લ્ડ ચેલેન્જ કપ 2026ની મહિલા વૉલ્ટ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવવા સહિત અન્ય સ્પર્ધાઓ જીતી છે.

AM/NS ઇન્ડિયાના HR અને એડમિનિસ્ટ્રેશન વિભાગના ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ તેલાંગે જણાવ્યું હતું કે, એશિયન ગેમ્સ માટે ભારતમાંથી એકમાત્ર જિમ્નાસ્ટ તરીકે પ્રણતિને પસંદ કરવામાં આવી છે તે એક નોંધપાત્ર સિદ્ધિ છે, જેમાં તેનું નિરંતર પરફોર્મન્સ, શિસ્ત અને દૃઢ નિશ્ચય દેખાઈ આવે છે. ઓડિશા AM/NS ઇન્ડિયા જિમ્નાસ્ટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટર ખાતે, અમે એથલેટ્સને સર્વોચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે જરૂરી તાલીમ અને સહાય પૂરી પાડવા પર ધ્યાન આપીએ છીએ. આઇચી-નાગોયા ખાતે ભારત તરફથી રમવા જઈ રહેલી પ્રણતિને અમે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”

પ્રણતિ ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં ભારત તરફથી રમી હતી અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત શાનદાર પરફોર્મન્સ કર્યું છે. 2026માં, તેણે તાશ્કંદમાં યોજાયેલી FIG વર્લ્ડ ચેલેન્જ કપમાં સિલ્વર મેડલ અને 54મી ઓલ ઇન્ડિયા રેલવે જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તેમજ ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત તરફથી રમી હતી.

વર્ષ 202૫માં, તેણે એશિયન આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ અને FIG એપરેટસ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, તેમજ 38મી નેશનલ ગેમ્સમાં એક ગોલ્ડ, એક સિલ્વર તથા એક બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. આ ઉપરાંત, તેમણે વિતેલા કેટલાંક વર્ષોમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ્સ અને આંતરરાષ્ટ્રીય FIG સ્પર્ધાઓમાં પણ અનેક મેડલ જીત્યા છે.

ભુવનેશ્વરમાં આવેલું ઓડિશા AM/NS ઇન્ડિયા જિમ્નેસ્ટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર, ભારતીય એથલેટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, વિશિષ્ટ કોચિંગ, તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એથ્લેટ સપોર્ટ દ્વારા હાઇ-પરફોર્મન્સ જિમ્નેસ્ટનો વિકાસ કરવામાં સપોર્ટ કરે છે.