Blog Post

ટ્રિયોમ ક્લબ દ્વારા સુરતમાં ધૂળેટી પર અનોખો ‘મડફેસ્ટ’ યોજાયો, લોકોએ પ્રાકૃતિક માટી સાથે મનાવ્યો રંગોત્સવ

આભવા ચોકડી સ્થિત ટ્રિયોમ ક્લબ ખાતે યોજાયેલી ઇવેન્ટમાં દેશ-વિદેશથી હજારો લોકો જોડાયા
મુંબઈની DJ રીના બારોટના મ્યુઝિક, રેન ડાન્સ અને એક્ટિવિટી ઝોનમાં લોકોએ કરી જોરદાર મસ્તી

સુરત. ધૂળેટીના અવસરે સુરતમાં આયોજિત અનોખું ‘મડફેસ્ટ’ આ વર્ષે જોરદાર ઉત્સાહ અને ધામધૂમ સાથે પૂર્ણ થયું. આભવા ચોકડી સ્થિત ટ્રિયોમ ક્લબ ખાતે યોજાયેલી આ ખાસ ઇવેન્ટમાં સુરત સહિત દેશ-વિદેશથી હજારો લોકો જોડાયા અને ઓર્ગેનિક માટી સાથે રંગોત્સવની અનોખી મજા માણી. આ કાર્યક્રમનું આયોજન કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન દ્વારા ટ્રિયોમ ક્લબના સંચાલક સુરેશ ગોંડલિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

મડફેસ્ટના આયોજકો અર્નબ મોઇત્રા અને ક્રિશ વાધવાનીએ જણાવ્યું હતું કે આ ભારતની એવી અનોખી ઇવેન્ટ છે જેમાં પરંપરાગત ધૂળેટીને ઓર્ગેનિક રીતે ઉજવવામાં આવે છે. અહીં કેમિકલ કલર્સના બદલે મુલ્તાની માટી અને કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી લોકો સુરક્ષિત રીતે તહેવારની મજા માણી શકે.

સુરતમાં મડફેસ્ટનું આ છઠ્ઠું આયોજન રહ્યું. કોવિડ સમયગાળા દરમિયાન થોડા વર્ષોનું વિરામ આવ્યા બાદ આ ઇવેન્ટ ફરીથી કમબેક કરી છે અને આ વખતે મોટી સંખ્યામાં લોકો જોડાતા કાર્યક્રમ યાદગાર બન્યો. આયોજકોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરીથી મોટા અને કોમર્શિયલ ઇવેન્ટ્સ માટે લોકોનો ઉત્સાહ વધ્યો છે અને આવા આયોજનથી ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

અર્નબ મોઇત્રાએ જણાવ્યું હતું કે જેમ સ્પેનમાં લોકો ‘ટોમેટિના’ રમવા જાય છે, તેમ ભવિષ્યમાં દુનિયાભરમાંથી લોકો ખાસ મડફેસ્ટ રમવા માટે સુરત આવશે.

ઇવેન્ટની ખાસિયત એ રહી કે આ ફેસ્ટમાં મુલ્તાની માટી અને કુદરતી માટી ઉપયોગમાં લેવામાં આવી હતી. જે ત્વચા માટે લાભદાયી હોવાથી તે નેચરલ ફેશિયલ જેવી અસર આપે છે અને સ્કિનમાં નેચરલ ગ્લો લાવે છે.

કાર્યક્રમમાં મુંબઈની જાણીતી મહિલા ડીજે રીના બારોટના મ્યુઝિકે માહોલને વધુ જ મસ્તીભર્યો બનાવી દીધો. સાથે જ રેન ડાન્સ, મ્યુઝિક પાર્ટી અને વિવિધ એક્ટિવિટી ઝોનમાં યુવાનો તથા પરિવારો એ જોરદાર મજા કરી. મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ, લોકર રૂમ તેમજ ફેમિલી માટે ખાસ એક્ટિવિટી ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં બાળકો એ પણ આનંદ માણ્યો.

આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે ‘પ્રાઇવેટ પિટ્સ’ અને વીઆઇપી લાઉન્જની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જ્યાં પરિવારો પોતાની પ્રાઇવેટ જગ્યાએ અલગથી મડફેસ્ટનો આનંદ લઈ શક્યા. લગભગ 8થી 10 હજાર યાર્ડ જેટલા વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ ઇવેન્ટે સુરતમાં ધૂળેટીની ઉજવણીને એક નવી ઓળખ આપી.